એક વેપારી અને તેની ચાર પત્નિઓ.. November 2, 2010
નેટ નવનીત 2
એક ખુબજ સમૃધ્ધ વેપારી હતો. તેને 4 પત્નિઓ હતી. તે તેની ચોથી પત્નિને ખુબજ ચાહતો હતો.તે તેની દરેક ઇચ્છાઓ વિના સંકોચે પુરી કરતો હતો.હતો.તે તેને સરસ મજાનાં ઘરેણાં અને કપડાં કાયમ લાવી દેતો ટૂંકમાં તે તેણીની શ્રેષ્ઠતમ દરકાર લેતો..તે તેની ત્રીજીપત્નિને પણ ખુબજ ચાહતો હતો. તે ખુબજ સુંદર હતી તે પોતાનાં મિત્રોને તે બતાવવા હમેશાં આતુર હતો.. તેમ છતાં તેને એક વાતનો હંમેશા ડર લાગતો કે તેની આ ખુબસુરત પત્નિ ક્યાંક તેને છોડીને બીજા સાથે નાસી ના જાય.. આ વેપારી પોતાની બીજી પત્નિપર ખુબજ ભરોસો કરતો. આ તેની બીજી પત્ની ખુબજ સમજદાર અને હંમેશા ધીરજવાળી અને સહનશીલ હતી.તેણી મુશ્કેલીનાં સમયમાં વેપારીને ખુબજ મદદ કરતી.જ્યારે જ્યારે વેપારી ક્યાંક સપડાઇ જાય ત્યારે તે હંમેશા બીજી પત્નિની સલાહ લેતો અને તેણી તેને યોગ્ય માર્ગદર્શન આપતી.હવે આ વેપારીની પ્રથમ પત્ની જે ખરેખર બીજી પત્નીઓ કરતાં સૌથી વધારે વફાદાર અને વિશ્વાસુ હતી અને ઘરકામની સાથોસાથ તે વેપારીનાં ધંધારોજગારમાં પણ પુરતું ધ્યાન આપતી,તેમ છતાં આ વેપારી તેમને ખરાં દિલથી ચાહતો નહી પરંતું આ તેની પ્રથમ પત્નિ તેને ખુબજ ચાહતી અને પોતાની ફરજ પુરી નિષ્ઠાપુર્વક બજાવતી.
એક દિવસ આ વેપારી ભયંકર બિમારીમાં સપડાયો. આ બીમારી ખુબ લાંબો સમય ચાલી છેવટે તેમને એમ લાગ્યું કે મારો અંતિમ સમય હવે આવી ગયો છે.તેણે પોતાની જહોજલાલી અને સંપતિનો વિચાર કરીને પોતાની જાતને મનોમન કહ્યું “અત્યારેતો મારી પાસે ચાર પત્નિઓ છે, પરંતુ હું જ્યારે મરી જઇશ ત્યારે હું એકલો હઇશ, મને કેટલી બધી એકલતાનો અનુભવ થશે”
આથી તેણે પોતાની ચોથી અને સૌથી વ્હાલી પત્નિને બોલાવીને કહ્યું “મે તને સૌથી વધારે ચાહી છે.તને સારામાં સારા અને કિંમતી કપડાં અને ઘરેણા લાવી આપ્યા છે,તારી ઉપર મે અત્યાર સુધીમાં મારો મહતમ પ્રેમ વરસાવ્યો છે,હવે જ્યારે હું થોડાં દિવસોમાં મરવા જઇ રહ્યો છું ત્યારે તું મારી સાથે તો આવિશ ને, મને સંગાથ આપીશ ને?” “એવું ના બને” આટલું કહીને તે વધારે એક પણ શબ્દ બોલ્યા વગર ત્યાંથી જતી રહી. આ જવાબ તે વેપારીને પોતાનાં અંતરમાં એક તિક્ષ્ણ છરીનીજેમ ભોંકાઇ ગયો. પછી આ ઉદાસ વેપારીએ પોતાની ત્રીજી પત્નિને કહ્યુ કે “ મે તને આખી જિંદગી ખુબજ ચાહી છે હવે હું જ્યારે મરી જઇશ ત્યારે તું મને સાથ આપીશને ?મારી સાથે આવીશને ?” “ના” તેણીએ કહ્યું “અહિંયા મને મજા આવે છે., તમે મરી જશો પછી હું કોઇને પણ પરણી જઇશ” આ સાંભળીને વેપારીને એક ભયાનક ઝટકો લાગ્યો અને તે એકદમ અવાચક થઇ ગયો. પછી તેણે પોતાની બીજી પત્નિને પુછ્યુંકે “ હું હમેંશા મદદ માટે તારી પાસે આવ્યો છું અને તે હંમેશા મને મદદ કરી છે આજે પણ તું મને મદદ કર,કે જ્યારે હું મરણ પામીશ ત્યારે તું તો મારી સાથે આવિશને મને સંગાથ આપીશને ? તેણી એ જવાબ આપ્યો કે આ વખતે હું ખરેખર દિલગીર છું કે તને હું આ વખતે મદદ નહિ કરી શકું હું ફક્ત તારી કબર સુધી આવી શકિશ”આ સાંભળીને વેપારી ભાંગી પડ્યો. આ વખતે તેની પ્રથમ પત્નિએ સામેથી કહ્યું કે “ હું તમારી સાથે રહી છું અને સદાય તમારી સાથે જ રહીશ” વેપારીએ જોયું કે તેની આ પ્રથમ પત્નિ ખુબજ દુબળી અને અશક્ત થઇ ગઇ હતી જાણે કે તેમને અપુરતો ખોરાક મળતો હોય તેમ.વેપારી આંખમાં અશ્રુધારા સાથે એટલુ જ બોલ્યોકે “ મારે તારી ખુબજ સંભાળ લેવાની જરુર હતી જ્યારે હું તેમ કરી શક્તો પણ અત્યારે તો હું મારી સંભાળ પણ લઇ શક્તો નથી “
ખરેખર દરેક માણસને ચાર પત્નિઓ હોય છે..
(1) આપણી ચોથી પત્નિ આપણું શરીર છે.. એ કોઇ બાબત જ નથી કે આપણે આપણાં શરીર પાછળ કેટલો ભોગ આપીએ સારું દેખાય એ માટે મહેનત કરીએ, પરંતું આપણે જ્યારે મરણ પામીએને ત્યારે શરીર સાથે નથી આવતું….
(2) અને આપણી ત્રિજી પત્નિ ? એ છે આપણો મોભો, માન મરતબો, સંપતિ, પૈસો, જાહોજલાલિ આ બધુ પણ આપણા ગયા પછી અન્યનું થઇ જાય છે……
(3) અને બીજી પત્નિ છે આપણા મિત્રોઅને આપણું કુટૂંબ આપણને આ લોકો સાથે ગમે એટલો પ્રેમ, લાગણી, કે બંધન હોય ગમે એટલું નિકટતાપણું હોય પણ આ લોકો ફક્ત આપણને કબર સુધી જ સંગાથ આપે છે….
(4) અને પ્રથમ પત્નિએ આપણો આત્મા છે આપણે તેમને ખુબજ ઓછો સમય ફાળવીએ છીએ એ હમેશા આપણને સહકાર આપે પણ આપણે તો ઉપરની ત્રણ પત્નિની સંભાળ લેવામાં એટલાં લીન થઇ ગયા છીએ કે ઘણીવાર આપણને “અંતરનો અવાજ” પણ સંભળાતો નથી, આપણો આત્મા જ એક એવી ચિજ છે કે જે મરણ પછી પણ આપણી સાથેજ આવે છે તેથી આપણે આત્માને સારા એવા સદવિચારોના ખોરાક્થી તૃપ્ત કરીને મજ્બુત બનાવવો જોઇએ…….
શિક્ષક હોવું એટલે……..(2) September 3, 2010
શિક્ષક હોવું એટલે……..(2)
ગુજરાત રાજ્યનાં તમામ શિક્ષક ભાઇઓ અને બહેનોને અથવા તો જેઓને શિક્ષણમાં રસ હોય તેઓને હું આ પુસ્તકો વાંચવાની ભલામણ કરું છું. (1)દિવાસ્વપ્ન (2)શિક્ષણનાં સિતારા(3)શિક્ષકનો કર્મ અને ધર્મ અને (4) ડો. આઇ કે વિજળીવાળાનાં તમામ પુસ્તકો. જો શિક્ષક આટલું વાંચે તો પણ એને ઉદવભવતાં તમામ પ્રશ્નોનું નિરાકરણ તેમને મળી જશે એની મને ચોક્કસ ખાતરી છે.”દિવાસ્વપ્ન” એ ગિજુભાઇનું એક સર્વોતમ પુસ્તક છે. એમાં ગિજુભાઇએ શિક્ષણની તમામ પ્રયુક્તિઓ અને પ્રવિધીઓ ને સરળતાથી વણી લીધી છે.ખાસ કરીને આપણો દેશ અંદાજે 6 લાખ જેટલાં ગામડાંનો બનેલો છે.અને આથી જ અંતરિયાળ અને સુવિધાથી વંચિત ગામડામાં એક પ્રયોગશીલ અને નિષ્ઠાવાન શિક્ષક પોતાની આંતરઃસુઝથી કેવાં ચમત્કારિક અને અપેક્ષિત પરિણામો લાવી શકે તેની સરસ વાત વણી લીધી છે. “શિક્ષણ નાં સિતારા” એ એક વાસ્તવિકતાનાં પાયા પર રચાયેલું પુસ્તક છે. આમાં ગુજરાતનાં સારાં અને સંનિષ્ઠ,કર્મઠ,અને આજીવન ભેખધારી શિક્ષકોનું ટુંકમાં અતિશ્યોકિતરહિત અને સચોટ વર્ણન છે. તેઓએ જિવનમાં ઘણાં પડકારોનો સામનો કરીને શિક્ષણક્ષેત્રમાં પોતાનું ધાર્યું કરીને જ રહ્યા. તેઓની ટેક અને નેમને કોઇ ડગાવી ના શક્યાં.આપણને કલ્પના પણ ના આવે એવાં પડકારોનો સામનો કરીને આ લોકોએ શિક્ષણને ગુણવતા પુરી પાડી છે. “શિક્ષકનો કર્મ અને ધર્મ “એ પુસ્તક પણ ખુબજ સરસ આમાં એક શિક્ષકમાં કેવા સદગુણો હોવાં જોઇએ તે વિશે કહેવામાં આવ્યું છે.અને છેલ્લે ડો. આઇ કે વિજળીવાળાનાં તમામ પુસ્તકો પણ ખુબજ મનનિય અને સ્મરણિય કરી શકાય તેવા ખરાં આ બધાં જ પુસ્તકોનો જો ટુંક સાર કાઢવો હોય તો એ કાઢી શકાય કે દરેક શિક્ષકમાં આટલાં ગુણો તો હોવા જોઇએ.દરેક શિક્ષક પોતાનાં બાળકોની માનસિક સામાજીક અને આર્થિક પરિસ્થિત પુરી રીતે જાણતો હોવો જોઇએ. કોઇ પણ બાળક ક્યારેય ઠોઠ નથી હોતો પરંતુ તેની ગ્રહણશકિત નબળી હોય છે,તે સ્લો લર્નર હોય છે. આ માટે શિક્ષક ધીરજવાન હોવો જોઇએ. ઘણી વખત શિક્ષક પરિણામ ના મળે તો નાસીપાસ થાય છે. આ બરાબર નથી આ ઉપરાંત શિક્ષક નુતન પ્રવાહથી વાકેફ હોવો જોઇએ. શિક્ષણનો કોઇપણ નવો વિચાર તે અમલમાં મુકવા તે તરત તૈયાર હોવો જોઇએ. જો કે શિક્ષક પણ એક મનુષ્ય હોવાથી માનવ સહજ નબળાઇ પણ હોવાની જ પણ પોતાની નબળાઇ પ્રત્યે તે સતત વિચારશીલ હોય તો તે પોતાની નબળાઇ દુર કરી શકે છે. મને એક નિવૃત શિક્ષકે એક વખત વાત કરી હતી કે મુકેશભાઇ હું તમને કહું કે ધારો કે એક નાનકડા ગામની બહાર એક અપૂજ એવં કોઇ મંદિર હોય, ગામથી દૂર હોઇ ત્યાં કોઇ રહેતું ના હોય માણસો ત્યાં જતાં પણ ના હોય, પછી ત્યાં એક સાધુ આવે મંદિરની પૂજા શરૂ કરે ગામમાંથી ભિક્ષા માંગી લાવે,ધીમે ધીમે માણસો ત્યાં આવવા લાગે અને ત્રણ કે ચાર વરસમાં ત્યાં સરસ મજાનો આશ્રમ થઇ જાય પાકા મકાન થઇ જાય અને આશ્થાનું એક સરસ મજાનું કેન્દ્ર બની જાય સરકારી મદદ વગર ફક્ત ગામલોકોનાં સહયોગથી આ થઇ શકે. અને પછી મને કહે કે ધારો કે એ જ ગામમાં એક શાળા હોય, મકાન હોય ગામની વચ્ચે, હોય સરકાર પગારથી માંડીને બધીજ સહાય કરતી હોય ,પેલાં મંદિર માં તો કદાચ પથ્થરનાં દેવ હોય અને તે પણ એક જ ભગવાન હોય, અને આ શાળામાં તો કેટ્લાં બધાં નાના ભુલકારૂપી દેવ આવતા હોય તેમ છતાં પણ ઘણાં શિક્ષકો આવાં ગામમાં 20 કે 30 વરસ નોકરી કરી હોવા છતાં ગામનો સહયોગ નાં મેળવી શકે,ગામમાંથી એક કમ્પ્યુટર કે ટેબલ કે ખુરશીઓ પણ ના મેળવી શકે? આ મને સમજાતું નથી. આવું કેમ બનતુ હશે? જોકે બધી જગ્યાએ આવું બનતું નથી લોક ભાગીદારીથી અને ગામનાં સહયોગથી લાખો નાં ખર્ચે શાળાઓ પણ બને છે. પણ જ્યાં ગામલોકો તરફથી શાળાને કશું જ મળતું નથી તેવાં શિક્ષકોએ આ દિશામાં વિચારવું જોઇએ એવું મને તો લાગે છે. શું તમને નથી લાગતું?
ટીચર અને ચીટર વચ્ચેની પાતળી ભેદરેખા August 22, 2010
ટીચર અને ચીટર વચ્ચેની પાતળી ભેદરેખા આજે સમાજમાં ખુબજ સન્માનનીય વ્યવસાય હોય તો તે ત્રણ વ્યવસાયને ગણી શકાય.. 1.દાક્તર 2 સૈનિક અને 3. શિક્ષક આ ત્રણ પર જ હવે સમાજમાં ભરોસો રહ્યો છે. એક તો આ ત્રણેય વ્યવસાયમાં પવિત્રતા પ્રથમ આવે અને દરેક રાષ્ટ્રનાં આ ત્રણ મહત્વનાં આધારસ્તંભો છે.. આજે મારે જે વાત કરવાની છે તે શિક્ષક વિષે કહેવાની છે.. છેલ્લાં 20 વરસથી આ પવિત્ર અને પુણ્યશાલી વ્યવસાય સાથે સંક્ળાયેલો હોવાથી આજનાં શિક્ષકોનાં ઘણાં સારાં અને ઘણાં વિચારતાં કરી મુકે એવાં અનુભવો થયેલાં છે. TEACHER અને CHEATAR માં લગભગ સરખાં મૂળાક્ષરો જો શિક્ષક પોતાની ફરજ જરા પણ ચુકે તો એ સમાજ સાથે બાળકો સાથે છેતરપિંડી કરી ગણાય. જુના સમયમાં અને હજી પણ ઘણાં ઉંડાણનાં ગામડાંમાં શિક્ષકને માસ્તર થી નવાજવામાં આવે છે. માસ્તર એટલે મા જેટલું સ્તર શિક્ષકને આપવામાં આવે છે.નાનાં નાનાં બાળકોને તેમનાં ગુરૂજી પર ભગવાન કરતાં પણ ભરોસો અને શ્રદ્ધા હોય છે. પણ ફક્ત નોકરી કરવાં ખાતર કેટલાંક એવાં શિક્ષકો પણ છે કે જેઓ આ કૂમળા બાળકોનું ભાવી બગાડી નાંખે છે. કોઇ પણ રાષ્ટ્ર્ની પ્રજાનું સરાસરી જ્ઞાન તે રાષ્ટ્રનાં શિક્ષકોનાં સરાસરી જ્ઞાન કરતાં ક્યારેય વધારે ના હોઇ શકે. હવે તમે તમારી આજુબાજુમાં નજર કરો તો તમને આવા કેટલાં શિક્ષકો નજરે પડે કે જેઓ પોતાનાં ધોરણનું સારું એવું જ્ઞાન ધરાવતાં હોય તેઓ સતત બાળકોની વયકક્ષાને અનુરૂપ તાજુ અને વૈવિધ્યસભર શિક્ષણ આપતાં હોય.મારાં અનુભવે જોયું છે કે આવાં શિક્ષકોની સંખ્યા હમેશાં ઓછી જ રહી છે. સમયપાલનમાં પણ ઘણાંખરાં શિક્ષકો બેદરકારી દાખવે છે.મે એવાં મહાન ધાર્મિક શિક્ષકોને જોયા છે કે જે શાળામાંથી ગુલ્લિ મારીને સંતોનાં પ્રવચનોમાં પહોંચી જાય છે. શું તેમને તેમનાં વર્ગખંડનાં બાળકોમાં ભગવાન નહિં દેખાતો હોય.એક જાણીતાં સાક્ષરે કહયુ છે કે શાળાનો વર્ગ એ સ્વર્ગ છે.પણ આવાં શિક્ષકો વર્ગમાં જ સ્વર્ગસ્થ થયેલાં હોય છે.મારાં મતે આવા ટીચર એ ટીચર નહિં પણ ચીટર ગણાય





અભિપ્રાય